Bhavna Mehta ભાવના મેહતા
  • Paper
    • Fault Lines
    • Leela
    • My father's letter
    • Gush
    • Memory
    • Each one
    • Chakra portraits
    • Open a window
    • Life
    • Malala Yousafzai
  • Embroidery
    • River in Body
    • Throughlines
    • Disembodied
    • Resist
    • She's home
    • Nightfall
    • Body 1.0
  • Collaboration
    • StorySeed
    • The Body Is a Home
    • Once Upon a Body
    • What the south wind says
    • Joy
    • Lynwood Linear Park
    • Long Beach Transit
  • Commission
    • Keep your heart open
    • Let's Talk Now
  • More
    • Writing
    • Hi Shonu Podcast
    • Interviews
    • Women of color
    • A month of actions
  • About
    • Contact
    • Statement
    • Shows
    • Teaching
    • Press
    • Resume
  • Store
Picture
લેખિકા : ભાવના મેહતા
અનુવાદ સહાયક : મેહુલ મંગુબહેન
તારીખ : જૂન ૨o૨૧
એક દિવસ હું મારું એકમાત્ર બ્લાઉઝ શોધવા માંડી. એ મારા કબાટમાં પ્લાસ્ટિકના સ્ટોરેજ બૉક્સમાં છેક તળિયેના ખાનામાં મળી આવ્યું. વર્ષો વીતી ગયાં, મને તો એ પણ યાદ નથી કે મારી રૂમમેટની ચેન્નાઈમાં રહેતી માતા સુધી કઈ રીતે મારી છાતીનું માપ પહોંચ્યું હશે પણ એ આન્ટી મારા માટે કંકુ જેવા રંગનું બ્લાઉઝ તથા તેની મેચિંગ સાડી લઈને કેલિફોર્નિયા આવી પહોંચ્યાં હતાં તેની સ્મૃતિ આજેય અકબંધ છે. આ બ્લાઉઝ નામની બલા પણ કેવી અટપટી હોય છે! બેઉ સ્તન માટે બે અંતર્ગોળ પોલાણ બનાવવા માટે ત્રણ ત્રણ ગડી સીવવાની, નેકલાઇન નીચી રાખવાની, ફક્ત બ્રાની પટ્ટી ઢંકાયેલી રહે એટલા જ ખભાઓ બનાવવાના અને સામેના ભાગે અદૃશ્ય રહે એવાં છ હૂક ટાંકવાનાં. કેટલી ખુશ થઇ હતી હું! કેટલાં લાંબા વખતથી હું ચાહતી હતી કે મારું પોતાનું એક બ્લાઉઝ હોય.

વ્હિલચૅરમાંથી નીકળીને પલંગ પર ફેલાવેલી સાડી પર હું પડી હોઈશ. એ પછી સાડીના એક છેડેથી બીજા છેડા સુધી હું ગોળ ગોળ આળોટી હોઈશ ત્યારે મારાથી સાડી પહેરાઇ હશે. ત્યાર બાદ આન્ટી આવીને મારી સાડીની પાટલી ગોઠવી આપે એની મેં રાહ જોઈ હશે. એ પછી હું પાછી મારી વ્હિલચૅરમાં ગોઠવાઈ ગઈ હોઈશ અને સાડીનો છેડો એક ખભા પર લીધો હશે જેનાથી મારાં બ્લાઉઝનો એક ભાગ ઢંકાયો હશે. આકાશ નીલા રંગનું હતું. સૂર્યના ઉજાસથી ઝળહળતો એ દિવસ હતો. મંદિરે જઇને ઘેર પાછા ફર્યાં પછી મેં સાડી, બ્લાઉઝ અને ચણિયો ઊતારી મૂક્યાં હતાં, ફરીથી કદીય ન પહેરવા માટે.

***

પરિવારના વૉટ્સઍપ ગ્રુપમાં કોઈએ બે બ્લૅક ઍન્ડ વ્હાઇટ ફોટા મૂક્યાં હતાં. હું બાર-તેર વર્ષની હોઈશ ત્યારના એક પિતરાઈના લગ્નના રિસેપ્શનનાં એ ફોટા છે. બંને ફોટામાં પુરુષો પશ્ચિમી ઢબના શર્ટ અને જાકીટમાં છે. એમની કમરે પેન્ટ પર મોટાં પટ્ટાઓ છે. સ્ત્રીઓ એમની સ્થિતિને અનુરૂપ સાડીમાં છે. નવવધૂ સૌથી વધુ ભભકાદાર સાડીમાં જયારે ચાલીસીમાં જ વિધવા થઈ ગયેલાં મારા ભાભુ સાદી બોર્ડરવાળી ભાત વિનાની સાડીમાં છે. બંને તરફ સરખી સંખ્યામાં પરિવારજનોની વચ્ચે નવવધુ અને વરરાજા ઊભાં છે. એમની પાછળ શ્રીનાથજીનું તાજાં ફૂલોથી બનાવેલું પેઇન્ટિંગ છે. બંને ફોટામાં હું અર્ધી સાડી, મેચિંગ બ્લાઉઝ અને ચણિયામાં છું. મારી બધી પિતરાઈ બહેનો એવાં જ વસ્ત્રોમાં હતી. નવવધૂને સરખી રીતે ઓળખતી ન હોવાં છતાં પણ અમે એની નવી જિંદગીની સહેલીઓ હતી.

એક ફોટામાં હું મારા ભાભુની બાજુમાં ઊભી છું. મારી બંને તરફ મારી લાંબી લાંબી ઘોડીઓ છે. મારી બગલમાં ગાદીના તકિયાવાળી મૂઠ છે અને હાથા પર મારા બંને હાથ ઢીલાં લટકી રહ્યાં છે. કાળા રંગના લેસવાળા જોડાથી શરૂ થતાં લોખંડ અને કેનવાસના પટ્ટાઓ જે મને ટટ્ટાર ઊભી રહેવામાં મદદ કરતાં હતાં તે મારા સ્તનો સુધી પહોંચે છે અને મારા ચણિયા-ચોલીની નીચે ઢંકાયેલા રહે છે. મારા વાળમાં ફૂલો છે અને નાકમાં બનાવટી કડી છે. બીજા ફોટામાં નવપરિણીત યુગ્મની ડાબી બાજુએ મારા પપ્પા છે અને જમણી બાજુએ મમ્મી અને હું નજીક નજીક ઊભાં છીએ. એ ફોટામાં મારી ઘોડીઓ દેખાતી નથી કારણ કે ફોટો પાડતી વખતે એને બાજુમાં મૂકી દેવાઈ છે. મમ્મીનો હાથ મારા ખભે છે અને મારો હાથ એની પીઠ ફરતે વીંટળાયેલો છે પણ એ ફોટામાં દેખાતો નથી. અમારા બહારની તરફના હાથ અરીસામાં પ્રતિબિંબ દેખાતું હોય એમ સરખાં દેખાય છે, આંગળીઓ એકસરખી રીતે વળેલી છે અને અમે કૅમેરાની સામે સ્મિત કરીએ છીએ.

***

સાત વર્ષની ઉંમરે મમ્મી જોડે અહમદનગરના ઘેરથી નીકળીને મુંબઈના પ્રવાસે આવી હતી ત્યારે પોલિયોના કારણે હું ગંભીર રીતે બીમાર પડી હતી. અમે મામાને ત્યાં રોકાયેલાં હતાં. એક સાંજે હું તાવમાં પટકાઈ. મેં મમ્મીને ફરિયાદ કરી કે હું બાથરૂમ સુધી ચાલીને જઈ શકતી નથી. મને યાદ છે કે મારી મમ્મી મને બાથરૂમ સુધી ઊંચકીને લઈ ગઈ, ત્યાં દેશી ઢબનું ટૉઇલેટ હતું, મમ્મીએ મને નીચે બેસવામાં અને મારી અન્ડરવીયર કાઢવામાં મદદ કરી. પછી એ મને પલંગ સુધી ઊંચકીને પાછી લઈ ગઈ. મારી મમ્મી એનો ભાઈ ઘેર પાછો ફરે એની રાહ જોઈ રહી. જેના ઘેર અમે ગયાં હતાં એ મારા મામા પોતે સર્જન હતા. મમ્મી મને ટેક્સી સુધી ઊંચકીને લઈ ગઈ જેમાં બેસીને અમે હૉસ્પિટલ પહોંચ્યાં. અમારા સંબંધનો એક નવો જ વેશ અહીંથી જ શરૂ થવાનો હતો. અમારી બદલાઈ જનારી તદ્દન નવી જિંદગીની શરૂઆત અહીં જ થવાની હતી.

પોલિયોની રસી મને યોગ્ય સમયે અપાઈ હતી એમ છતાં મને લાગેલા ચેપ સામે મારું શરીર લડત આપી શક્યું નહીં. મને હૉસ્પિટલમાંથી રજા મળી એ પછી મમ્મી બધું છોડીને મારી પાસે રહી. મારા પગનું હલનચલન કેવી રીતે થઈ શકે, મારા નિતંબને જડ બનતાં કઇ રીતે અટકાવી શકાય, ગબડી ગયા વિના હું કેવી રીતે બેઠી થઈ શકું, અને મારા ખાવા-પીવાંની સગવડ કેવી રીતે સાચવવી,વગેરે એ શીખતી રહી. આ સિવાય સતત મારી આંખોમાં એ કંઈક વાંચતી રહેતી જે ન તો હું સમજી શકતી હતી ન તો એ.
 
મારા માતા-પિતાએ મારા અપંગ શરીરની સતત સંભાળ લેવી પડતી. આ કારણે મારાં ભાંડરડાંને હંમેશાં અન્યાય થતો. હું હંમેશા મારા અનેક પિતરાઈ ભાઈ-બહેનથી ઘેરાયેલી રહેતી. આમ છતાં એ સહુનાં શરીરનાં વિકાસ કરતાં મારા શરીરનો વિકાસ કંઈક અલગ રીતે થઈ રહ્યો હતો એ વિષે કદી ધ્યાન અપાયું જ નહીં. અપંગ શરીરની વાત નીકળે ત્યારે વાતચીતની દિશા શરીરવિજ્ઞાનનું ક્ષેત્ર છોડીને દવાની ભૂગોળ ક્ષેત્રે વળી જાય. સમગ્ર ચર્ચા દાકતરી ક્ષેત્રે ખૂણેખાંચરે ફેલાઈ જતી. મારા વિશેની બધી જ વાતો જાણે કે દવાની આસપાસ ફર્યાં કરતી. મને કહેવામાં આવ્યું હતું કે મારું માસિક ચક્ર કિશોરાવસ્થા સાથે જ સમાપ્ત થઈ જશે. (આ વાત પછીથી ખોટી સાબિત થઈ હતી.)


વળી એક મત એવો પણ હતો કે અન્યોથી જૂદું શરીર હોવાને કારણે પહેલાંથી જ મારા વિશે વધારે પડતી ચર્ચા થઈ રહી છે ત્યારે વળી શરીરના નોખાપણા વિષે વધારાની ચર્ચા શરૂ કરીને શું ફાયદો થવાનો છે? મારી કરોડરજ્જુના વધતાં જતાં વળાંકને કારણે મારી બેઠકના પટ્ટાઓને વારંવાર નવી-નવી રીતે ગોઠવવાં પડતાં હોય એ સંજોગોમાં મારા શરીરમાં થતાં હોર્મોનલ ફેરફારની ફરિયાદ હું કેવી રીતે કરું? હું કેવી દેખાઉં છું અથવા ફેશન જોડે હું મારી જાતને સાંકળી શકતી નથી કે પછી ઘોડીને સહારે હું ચાલતી હોઉં ત્યારે લોકોને મારી તરફ ટીકી ટીકીને જોતાં હું કેવી રીતે અટકાવી શકું; આવી વાતો હું કોની સાથે અને ક્યારે કરું? ક્યારેક એવું બને કે હું પડી જાઉં, લોકો દોડી આવે, મને બેઠી કરે, મારી બગલ હંમેશાં ભીની હોય અને મારે મારો ચહેરો સ્મિત કરવા માટે હંમેશાં તૈયાર રાખવો પડતો હોય; આવી ફરિયાદો હું કોને અને ક્યારે કરું? મારે કહેવું હોય કે હું ઠીક છું, હું મારી જાતને સાંભળી લઈશ, પણ હું બોલી શકતી નહીં. એવા સમયે વાતાવરણમાં એક પ્રકારનો સન્નાટો છવાઈ જતો, શરમજનક સન્નાટો.

***

મારી મોટા ભાગની જિંદગીમાં મમ્મીને સાડી સિવાય કોઈ વસ્ત્રમાં મેં ક્યારેય જોઈ નથી. નાનાં હતાં ત્યારે અમે જોતાં કે આખા દિવસનું ઘરકામ પત્યા પછી રાત્રે સૂતી વખતે એ સાદી સાડી પહેરી લેતી. બાથરૂમનો ઉપયોગ ઘરના સહુ કરી શકે એ માટે એને શયનખંડથી થોડે દૂર રખાતાં. ભીનાં બાથરૂમમાં સાડી બદલવી એટલી મોટી સિદ્ધિ મેળવવા જેવું કામ હતું કે મોટા ભાગની સ્ત્રીઓ એ વિશે વાત કરતી નહીં. વડીલો અને બહારના માણસોનું માન રાખવા માટે ઘરકામ, સાફસફાઈ, અને પુરુષોની સરભરા કરતી વખતે સ્ત્રીઓ સાડીનાં છેડા વડે માથું ઓઢેલું રાખતી. સ્ત્રીનાં માથાને ઢાંકેલો છેડો ત્યારે જ ખસતો જયારે શયનખંડમાં આવ્યાં પછી એ દરવાજો આડો કરતી અથવા એણે એકાદી ઊંઘ ખેંચી કાઢવી હોય કે પછી બાળકોનું ગૃહકાર્ય કરાવવાનું હોય. ઘણી વાર એવું થતું કે બાળકો સિવાય કોઈ રસોડામાં આવી જાય ત્યારે રોટલી બનાવતી સ્ત્રી વાતો કરતી અટકી જાય અને ઉતાવળમાં લોટ અથવા ચૂલાના લાકડાંથી ખરડાયેલા હાથે છેડો માથે ખેંચી લે. વાળમાં લોટ લાગી જાય કે ગાલ પર હળદર લાગી જાય એ જોઇને બાળકો હસી પડતાં. સ્ત્રીઓએ પરિવારની અને સમાજની આમન્યા રાખવી જોઈએ એ વિચાર એટલો રૂઢ થઇ ગયો હતો કે ક્યારે વસ્ત્રોમાં જરાક ફરક પડી જાય તો પણ બાળકો યાદ અપાવતાં કે મર્યાદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ક્યારેક મને મમ્મીનાં મુખ પર પ્રશ્ન દેખાતો: મારી મર્યાદા, મારાં માન-અપમાન, મારું શરીર, મારું સૌંદર્ય, મારું કામકાજ, મારી બુદ્ધિ, મારાં અભિપ્રાયનું શું?

શારીરિક દેખાવ, શરીરનાં તમામ અવયવો, શારીરિક ક્ષમતા, બાળકની ઇચ્છા હોય કે ન હોય વગેરે પ્રશ્નો કરતાં પણ શું સ્ત્રી-પુરુષ વચ્ચેનો તફાવત એટલો બધો મહત્વનો છે? આમ છતાં મારી જાતને લાયક પૂરવાર કરવા હું મારા પોતાના જિંદગીના પ્રાથમિક પાઠોમાં ખેંચાઉ છું. મારે એક પ્રશ્ન પૂછવો છે: સ્ત્રી હોવું એટલે શું?

સ્ત્રી એટલે વાળ, વસ્ત્રો, ઘરેણાં, સ્કર્ટ, સાડી, શાલ, જૂતાં, લેગીન્ગ્સ અને અંત:વર્સ્ત્રો? સ્ત્રી એટલે તમારો શ્રેષ્ઠ દેખાવ? સ્ત્રી જેટલી વધારે ઊંચી હોય, જેટલી વધારે ગોરી હોય એટલી વધારે સારી? આંખોને ગમી જાય એવી હોય, જેટલી વધુ ચમકતી હોય, જેટલી વધુ ઝબકતી હોય એટલી વધારે સારી? સ્ત્રી એટલે “હવે શરીર ખોલી નાખ!”, “હવે શરીર ઢાંકી દે!”, “હવે શરીર સંતાડી દે!”, “હવે શરીર ઉઘાડું કર!” જેવાં હુકમોનું પાલન કરવું અથવા અનાદર કરવો? સ્ત્રી હોવું એટલે કેટલું ખાધું કે કેટલું પીધું એ વિષે સતર્ક રહેવું? કેટલાં જાડાં છો કે કેટલાં પાતળાં છો એનું ધ્યાન રાખવું? સ્ત્રી એટલે ઘરકામ કરવું, બધાંની કાળજી લેવી, પોતાની જાતને બદલે અન્યોને પ્રસન્ન રાખવાં? સ્ત્રી હોવું એટલે નોકર, રસોયણ, બહેન, પત્ની, પ્રેમિકા, માતા, આન્ટી, દાદી, અને માતૃસત્તાક વ્યવસ્થામાં કુટુંબપ્રમુખ જેવી જુદી જુદી ભૂમિકાઓ એક પછી એક ભજવવી?

મારા કુટુંબની સ્ત્રીઓને સવારે વહેલી જાગી જઈને કામે વળગી જતી અને આખા દિવસની જરૂરિયાતોનો પ્રબંધ કરતી હું જોતી. આ બધું જ તેઓ સાડી પહેરી રાખીને કરતી. થાકીને લોથપોથ થઈને સ્ત્રીઓ પડી ન જાય ત્યાં સુધી એ તમામ કામ ચાલતાં રહેતાં. મને ખ્યાલ આવ્યો કે ભૂમિકાઓ બદલવાની આવી અપેક્ષા મારી પાસેથી ક્યારેય નહીં રાખવામાં આવે. ઘણાં લોકો એવું કહેતાં કે આ તો એક રીતે તારું સૌભાગ્ય કહેવાય. (તારી પાસે બીજી પ્રવૃત્તિઓ કરવાનો કેટલો બધો સમય રહે છે એવું તેઓ કહેતાં, જે સાચું પણ હતું.) પણ એક તરફ બેસી રહીને જોશભરી પ્રવૃતિઓને જોયાં કરવાથી નિરાશા ઘેરી વળતી, મને થતું હું જાણે કે વિસ્થાપિત થઈ ગઈ છું.

સ્ત્રી હોવું એટલે શું એના સાથી માટે હરઘડી હરપળ આકર્ષક અને ઉપલબ્ધ હોવું? એની જરૂરિયાતોનો આગોતરો ખ્યાલ રાખવો? શરીરને સંકોચ, લજ્જા, ઉત્સાહ અને શક્તિની લાગણીઓથી હરઘડી હરપળ તૈયાર રાખવું? સાચું કહું તો મારી એકાંતસભર યુવાનીમાં શરીરસુખ અંગે હું ખૂબ આત્મવિશ્વાસુ હતી. એક વાર મારા એપાર્ટમેન્ટમાં હું એકલી હતી ત્યારે કેરી ચૂસતી હતી. જે રીતે મારા બાળપણમાં મારાં ભાંડરડાં અને પિતરાઇઓ ચૂસતાં એ જ રીતે. પાકેલી કેરીને ગોળ ગોળ દબાવતાં જવાનું અને મથાળે દાંત વડે એક છિદ્ર બનાવવાનું ને પછી રસ ચૂસવાનો અને ગળવાનો. એ રસ મારા મોંએથી ગળા પર ટપકતો અને આંગળીઓ પરથી કોણી સુધી રેલાતો જતો. હું જાણતી હતી કે મારી અંદર એક જાદુઈ ભૂખનું અસ્તિત્વ છે અને એનું શમન નથી થતું કે નહીં થાય એવું નથી. જો કે હું એ પણ જાણતી હતી કે એવે વખતે કોઈ મારી તરફ નજર માંડીને જોતું હોય ત્યારે એની નજરમાં આકર્ષણ કે આસક્તિનો અંશ પણ ન રહેતો. (જો કે એકાદ-બે વાર એવું હતું પણ ખરું.) ગમે તેટલી કેરી ચૂસવાથી એમાં ફરક પડવાનો ન હતો.

સ્ત્રી હોવાનાં અમારાં ક્યા લક્ષણો અંગે વિશ્વ સભાન થાય છે? અમારો અવાજ? અમારું સ્મિત? અમારી સુગંધ? અમારી પીડા? અમારું સતત ઢાંકપિછોડો કર્યાં કરવું, વર્તનમાં વારંવાર સુધારા કર્યાં કરવા, અમુક-તમુકના જેવું બનવું, નહીં થયેલી ભૂલ અંગે માફી માગવી, અણગમતાનો સ્વીકાર કરવો, સામે દલીલો કરવી, સતત પ્રયાસ કરવાં? ક્રોધનો સતત સામનો કરવો? શા માટે અમારી પસંદગી વિશે, અમારી કારકિર્દી વિષે અને અમારા વિચારોની હાંસી ઉડાવાય છે? શા માટે અમારે હંમેશાં ધિક્કારનો સામનો કરવો પડે છે? અમે સતત નિષ્ફળ જતાં હોઈએ એવું અમને શા માટે કહેવાય છે? અમે સમાજ પર બોજ હોઈએ એવો અનુભવ અમને શા માટે કરાવાય છે? અમારી પીડાથી જ અમે ન ઓળખાઈએ એ માટે અમારે શું કરવું જોઈએ? એવું અમે શું કરીએ જે સમાજની સાથે સાથે અમારા પોતાના માટે પણ શ્રેષ્ઠ હોય?

***

એક દિવસ મુંબઈના ટ્રાફિકથી ભરચક રસ્તા પર કારની પાછલી સીટમાં બેઠાં બેઠાં મેં એક દ્રશ્ય જોયું. એક પાતળી જુવાન સ્ત્રી પોતાની પીઠ પર એક અપંગ પુરુષને ઊંચકીને રસ્તો ઓળંગી રહી હતી. પુરુષ પોતાના હાથ સ્ત્રીનાં ગળે વીંટાળીને એને સજ્જડતાથી વળગી રહ્યો હતો. સ્ત્રીએ એના પગ પકડી રાખ્યાં હતાં. સિગ્નલ બદલાય એ પહેલાં નીકળી જવા ધસમસતાં સેંકડો વાહનોની વચ્ચેથી સાવધાનીપૂર્વક એ સ્ત્રીએ રસ્તો ઓળંગ્યો. શું એ સ્ત્રી એ પુરુષની બહેન હતી? પાડોશણ હતી? એ પુરુષ જોડે એક પ્રકારની નિકટતા અનુભવવા છતાં મારી દૃષ્ટિથી બંને જણા ઓઝલ થઈ ગયા પછી પણ એ સ્ત્રીના મક્કમ ચહેરાએ મને લાંબા સમય સુધી જકડી રાખી. મારી પાસે રહી ગઈ હતી એમનાં બેઉનાં શરીરની નિકટતા.

***

“પ્રિય મિત્ર, મારા જીવનમાંથી હું તને તારા જીવનમાં લખી રહી છું.” ઇયુન લી પોતાના નિબંધમાં લખે છે, “હું ચીનમાં જ રોકાઈ ગઈ હોત તો મારા જીવને કેવો વળાંક લીધો હોત એ વિશે હું વિચારતી નથી: ચીન ન છોડવું એવો પર્યાય ક્યારેય હતો જ નહીં.” ઇમિગ્રેશનના ચક્રો જેવાં શરૂ થયાં કે અમેરિકાની સ્વતંત્ર જિંદગી (એવું મને વચન મળ્યું હતું) મને એટલી ઉત્કટતાથી જોઈતી હતી કે દેશ છોડીને જવું સ્વાભાવિક અને બિનશરતી લાગતું હતું. પરંપરા, ભાષા, પરિવાર, અને દેશ બધુ જ મેં સ્વેચ્છાએ છોડ્યું. એક પછી એક ખંડ એકલપંડે વટાવતાં હું જાણે મોટી થઈ રહી હતી. છૂટા પડવા અને કંઈ ગુમાવવા વિશે ગંભીરતાથી મેં વિચાર કર્યો નહીં. ભારે બુટ જોડે ચાલતાં હું થાકી ગઈ હતી. વળી દરેક વખતે લોકોનું ધ્યાન ખેંચવા માટે અને પ્રવૃત્તિઓમાં મારો સમાવેશ થાય એ માટે કરવા પડતાં પ્રયાસોથી હું થાકી ગઈ હતી. જ્યાં માનવહકો અને સ્વતંત્રતા એક હકીકત હોય એ દેશમાં ઘર વસાવવા મારી વ્હિલચૅર હંકારી જવા માટે હું તત્પર હતી.

આઝાદીની ઝંખના વાસ્તવિક હોય છે. કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ ડિગ્રી માટે હું કેલિફોર્નિયામાં આવી ગઈ. નવી અને વજનમાં હળવી વ્હિલચૅર સાથે હું ઝડપથી અનુકૂળ થઈ ગઈ. ક્લાસમાં અને જુદાં જુદાં કામ માટે કેમ્પસમાં હું ઝડપથી અને સહેલાઈથી પહોંચી જવા માંડી. મને યાદ છે કે રૂટિન કામકાજ અને હલનચલન કરવા માટેની ક્યારેય ન જોઈ હોય એટલી સગવડ મેં એક જ દિવસમાં જોઈ નાખી: રેમ્પ, એલેવેટર, રસ્તાની સાઇડમાં વાળેલી તકતીઓ, સપાટ પ્રવેશદ્વાર, કેમ્પસમાં જ આવેલું એપાર્ટમેન્ટ અને તેમાં સહજતાથી પહોંચી શકાય એવું રસોડું અને બાથરૂમ. આ બધી વસ્તુઓનો મેં ખૂબ આનંદ લીધો એમ કહેવાથી મારી લાગણીઓ સંપૂર્ણપણે વ્યક્ત કરી શકાશે નહીં. પ્રવૃતિઓમાં સામેલ કરવા માટે અને મને તકો આપવા માટે સતત વાટાઘાટો કર્યાં વિના જો એ બધું મને મળી રહેતું હોય ત્યારે જે આનંદ આવે એનું વર્ણન હું કઈ રીતે કરું? મેં કાર લીધી પછી જ્યારે સ્ટાઇલિસ્ટ બ્લાઉઝ અને પેન્ટમાં પહેલી નોકરીના ઇન્ટરવ્યૂ માટે હંકારી ગઈ ત્યારે કાર ડ્રાઇવ કરતી વેળા હું મનોમન પ્રાર્થના કરતી રહી હતી કે કામના સ્થળે હું ઉપયોગ કરી શકું એવો વૉશરૂમ હોય અને આર્થિક રીતે હું સ્વતંત્ર રહી શકું એટલો પગાર મને મળી રહે.

શરીર અને આત્માના વિસ્થાપન વિશેનાં ઇયુન લીનાં શબ્દો કાનમાં પડઘાયાં કરતાં હતાં. “છોડવું” અને “જીવવું” વિશે એના ઉચ્ચારણ સ્પષ્ટ છે. નિબંધના પ્રારંભમાં જ ઇયુન લી કહે છે, “છેડછાડ કરાયેલાં દ્રશ્યો ધ્યાન હઠાવી દેવા માટે શ્રેષ્ઠ હોય છે. અથવા જૂની આદતો માટે નવું વાતાવરણ. ભૌગોલિક રીતે અથવા કામચલાઉ રીતે માણસ એક કેન્દ્રથી બીજા કેન્દ્ર સુધી શું લઈ જાય છે? પોતાની જાતને. માણસ ગમે એટલો ચંચળ હોય તો પણ એ હંમેશાં પોતાની જાતને વફાદાર હોય છે.” એક અક્ષમ વ્યક્તિ તરીકે ટકી રહેવા માટે આત્મનિર્ભર બનવું એ જ એકમાત્ર ઉપાય છે એવો વિચાર પચાવતાં મને ઘણાં વર્ષો લાગી ગયા હતા. ‘દરેક ઉપલબ્ધ પર્યાયનો ઉપયોગ કરી જોયા પછી જ કોઈની મદદ માગવી જોઈએ’ એવી અમેરિકન લક્ષણીય વિભાવના હું આ દેશમાં આવી પહેલાંથી મારી પોતાની પણ હતી. એ કારણે જ હું શરમાળ અને જિદ્દી સ્વભાવની હતી.

મોટા કુટુંબમાં ઊછરેલી હોવાને કારણે કામકાજ અંગે એકબીજા પર નિર્ભર રહેવું અને એનાથી થતાં લાભો મારા માટે સ્વાભાવિક હોવા જોઈએ. પણ જયારે કોઈકને માટે મદદનો એકમાર્ગી રસ્તો ફક્ત એની તરફ આવતો હોય ત્યારે કોઈની મદદ વિના પોતે વસ્ત્રો પહેરવાં—એટલે હું કેટલી ધીમેથી અને કઢંગી રીતે વસ્ત્રો પહેરું છું; એમ કોઈનું મને જોયા કરવું. અહમદનગરમાં ઘણી સ્ત્રીઓ હતી જે મને સાડી પહેરવામાં મદદરૂપ થઈ શકી હોત, એટલું જ નહીં, તેઓ મને કદાચ એ પણ શીખવી શકી હોત કોઈની મદદ વિના પણ કઈ રીતે સાડી પહેરી શકાય. સાડીનો સાચો અર્થ તો મને ઘર છોડ્યા પછી સમજાયો. સાડી એટલે મારા દત્તક લીધેલાં આ દેશ માટે સાંસ્કૃતિક જાહેરાત કરતાં કંઈક વિશેષ છે, સાડી એટલે યાદો, સાડી એટલે સાંસ્કૃતિક વારસો. સાડી એટલે મારા દેશનાં લોકોની ચતુરાઈ અને કૌશલ્યનો નમૂનો.

રજાઓમાં પરિવારની મુલાકાતે સ્વદેશ આવી હતી ત્યારે એક સામયિકમાં લેખ કરવા માટે એક અક્ષમ સ્ત્રીને હું મળી હતી. ચાલવા માટે એ ઘોડીનો ઉપયોગ કરતી અને સરકારી નોકરી પર આવવા-જવા માટે એ ત્રણ પૈડાના યાંત્રિક વાહનનો ઉપયોગ કરતી હતી. એણે કહ્યું કે એને સાડીઓ ગમે છે. એને સાડીઓની ખરીદી કરવાનું અને કુટુંબમાં અને સહકર્મચારીણીઓમાં ભેટ આપવાનું ગમે છે. આ વાત કરતી વેળા એણે સાડી ઊંચકીને પોતાનો કૃત્રિમ પગ મને બતાવ્યો. એ નાની હતી ત્યારે કોઈ સામાન્ય તકલીફ થઈ હતી. એ વખતે એના ઇલાજમાં વપરાયેલાં પારાનાં ઝેરને કારણે એની એવી અવદશા થઈ હતી. એણે પહેલી વાર નોકરી માટે અરજી કરી ત્યારે એની પસંદગી થઈ ન હતી. એણે સંબંધિત અધિકારીને પડકાર્યો હતો. અમને સક્ષમ શરીરવાળા ઉમેદવાર મળી રહેતા હોય તો તમારા જેવા લોકોની અરજી અમે ધ્યાનમાં લઈ શકીએ નહીં. એણે પૂછ્યું હતું, નોકરીના ભાગરૂપે એવા મજબૂત લોકોને શું તમે કુસ્તી રમાડવાનાં છો? ભાથાંમાં કૉલેજની બબ્બે ડિગ્રીઓ હોવાં છતાં એને નોકરી મળી એ પહેલાં એણે ત્રીસ ઇન્ટરવ્યુ આપવા પડ્યાં.

***

મારા લગ્નમાં હાજરી આપવા માટે મારાં માવતર અહમદનગરથી સાન ડિયેગો આવ્યાં ત્યારે પહેલી વાર તેઓ જર્યોજ ને મળ્યાં. લગ્નપ્રસંગે મેં સાડી પહેરી ન હતી. તરુણાવસ્થાનાં છેલ્લા તબક્કાથી મારી મમ્મી મને સલાહ આપવા માંડી હતી કે મારે એરેન્જ મેરેજ ભૂલી જઈ કોઈ અપંગ યુવકને પરણવું જોઈએ. તમે એકબીજાને સારી રીતે સમજી શકશો, એવું એ કહેતી. પણ જયારે પહેલી વાર એણે જર્યોજ વિષે સાંભળ્યું કે એ—ગોરો છે, હિન્દુ નથી, અપંગ છે, એકલો રહે છે, પ્રોફેસર છે, ઉંમરમાં મારા કરતાં પચીસ વર્ષ મોટો છે, પોતાનું ઘર છે, વિશાળ હ્રદયનો છે, એક બાળકનો પિતા છે, એક વાર છૂટાછેડા થઈ ચૂક્યા છે—તે ખુશ નતી. એને મૂંઝવણ એ હતી કે હું જે કંઈ માહિતી આપું એ સિવાય જર્યોજના પરિવારની વિગતોની ચોકસાઈ કરવાનો એની પાસે કોઈ રસ્તો ન હતો. બાળક પેદા નહીં કરવાના મારા નિર્ણયના કારણે એને ચિંતા હતી કે મારો કોઈ પરિવાર નહીં બને અને હું સમાજથી અળગી થઈ જઈશ.

જે ધીરજ અને બુદ્ધિમત્તાના જોરે જર્યોજએ મારું દિલ જિત્યું હતું એ જ સ્વભાવથી એણે મારી મમ્મીનું દિલ જીતી લીધું. એ બેઉની ઉંમર લગભગ સરખી હતી એટલે અમે સહુએ મળીને નક્કી કર્યું કે જર્યોજ મારી મમ્મીને “બેન” કહેશે. એની જોડે અંગ્રેજી ભાષામાં વાત કરતાં મમ્મીને જે સંકોચ થતો હતો એના પર એણે વિજય મેળવ્યો અને અંતે મારી પાસે ભાષાંતર કરાવ્યા વિના મારી મમ્મી જર્યોજ સાથે સ્વતંત્રપણે વાત કરતી અને એને પત્રો લખતી થઈ ગઈ. મારું અંગ્રેજી એટલું સારું નથી, એમ એ કહેતી. એના જવાબમાં જર્યોજ કહેતો, મને તો ગુજરાતી મુદ્દલ આવડતું નથી!

એક વાર મમ્મીએ પોતાની સાડી જાતે ધોઈને ઉતાવળમાં પાછળના વાડામાં વળગણી પર એમ જ ગડી રહેવા દઈ સૂકવી હતી. પછીથી મેં જોયું કે જર્યોજે એ સાડીના બેઉ છેડા છૂટાં પાડીને નાજુકપણે ફેલાવીને દોરી પર એ રીતે સૂકવવા મૂકી કે સાડીનું સંપૂર્ણ કપડું સૂર્યપ્રકાશની સામે ખુલ્લું થાય. આ રીતે કપડાં ધોઈને સૂકવવા માટે મમ્મીને મદદ કરનારો જર્યોજ સૌથી પહેલો પુરુષ બન્યો.

***

જર્યોજ અને હું જે ઘરમાં રહીએ છીએ તેમાં શયનખંડના સ્લાઇડિંગ દરવાજા માટે એક સફેદ સાડીના બે ટુકડા કરીને એમાં હૂક નાખીને પરદો બનાવ્યો છે. ઉનાળામાં પાછલા વાડામાં પડતા કાચના ખુલ્લા રહેતાં દરવાજામાંથી ઠંડા પવનની લહેરખી આવ્યા કરે અને જોડે આવે બગીચાના ખુશ્બુદાર છોડવાંની સુગંધ. પવનના કારણે પરદો વારંવાર ખસીને કાચના દરવાજાને વળગ્યા કરે અને છૂટો પડ્યા કરે જેમ લાંબા દાંપત્યજીવનમાં પ્રેમની ભરતી અને ઓટ આવ્યાં કરે.

અમારો પલંગ જ ફક્ત એવી જગ્યા છે જ્યાં જર્યોજ અને હું શારીરિક રીતે નજીક હોઈએ છીએ. વ્હિલચૅરમાં સમાયેલાં અમારાં લકવાગ્રસ્ત શરીરોની દિવસભર એકબીજાં જોડે મુલાકાત થયાં કરતી હોય છે, ક્યારેક દૂરથી પસાર થઈ જવાય, ક્યારેક સામસામે અથડાઈ પણ જવાય. પછી બોલાઈ જાય: હાય, ઉપ્સ!, સોરી, ઓહ! જખ્મોના નિશાનવાળા અમારાં શરીરો પલંગમાં છેક જ સામાન્ય રીતે એકબીજાને મળતાં હોય છે. અમારી પીડા વીસરીને થોડાંક કલાકો માટે અમે અમારું સાહચર્ય ઉજવીએ છીએ. જર્યોજના અમુક સંબોધનોથી વાતાવરણ રોમાંચક બનતું રહે છે જેમ કે: છોકરી! સુંદર છોકરી! સ્ત્રી! સ્વીટી! બેબી! પત્ની!

***

અહમદનગરમાં વીતેલાં મારા બાળપણના અને ઉંમરલાયક થવાના દિવસોમાં મેં સ્ત્રીઓને સાડી પહેરીને સાઇકલ અને કાર ચલાવતાં તેમ જ બળદગાડું હંકારતાં જોઈ છે, નિશાળમાં અને કૉલેજમાં ભણાવતાં જોઈ છે, ઘરમાં, વાડામાં અને મંદિરોમાં સાફસફાઈ કરતાં જોઈ છે. સ્ત્રીઓને સાડી પહેરીને બૅન્કમાં, ખેતરોમાં, બાંધકામની સાઇટ પર કામ કરતાં જોઈ છે, રસ્તાની કિનારે ફળફળાદિ અને શાકભાજી વેચતાં જોઈ છે, હૉસ્પિટલમાં નર્સ તરીકે દર્દીઓની સેવા કરતી, રેસ્ટોરાંટમાં રસોઈ કરતી, ઉત્સવોમાં નૃત્ય કરતી, ફિલ્મોમાં કામ કરતી, ટેલિવિઝન પર સમાચાર વાંચતી જોઈ છે. કેટલાંય વર્ષો પહેલાં, ભલે દૂરથી, પણ આપણા વડાં પ્રધાનને સાડી પહેરીને યુવાન લોકશાહી દેશનો રાજકારભાર કરતાં મેં જોયાં છે.

ભારતનું બંધારણ લખાઈને હજી ત્રીસ વર્ષ થાય એ પહેલાં અક્ષમતા મારા શરીરમાં પ્રવેશી અને મારું ભવિષ્ય છિન્નભિન્ન કરી ગઈ. પરિવારનો અડીખમ ટેકો અને આર્થિક-સામાજિક દૃષ્ટિએ ઊંચા વર્ગની હોવાના કારણે અને મને મળેલી અપરોક્ષ મદદના કારણે અક્ષમ બાળપણની કેટલીક અણધારી તકલીફોથી હું ખાસી બચી ગઈ. ભૂમિતિમાં રહેલા મારા રસને પપ્પાએ પ્રોત્સાહન આપ્યું. એમણે મને ઓરીગામી*ના સિદ્ધાંતો શીખવ્યાં. હાથો વડે નિયંત્રિત કરી શકાય એવી યાંત્રિક રિક્ષા પપ્પાએ ખાસ મારા માટે બનાવી, જેથી ઘર અને કૉલેજ વચ્ચેનું થોડુંક અંતર હું સહેલાઈથી કાપી શકું. મારી આસપાસની ઘણી સ્ત્રીઓ કૉલેજમાં એટલાં માટે હતી કે લગ્ન અને સંસારના દરિયામાં ફેંકાઈ જતાં પહેલાં એકાદ ડિગ્રી તેઓ મેળવી શકે. મને યોગ્ય શિક્ષણ પ્રાપ્ત કરવાની સલાહ એટલા માટે આપવામાં આવી હતી કે જેથી કરીને હું આર્થિક રીતે સ્વતંત્ર બની શકું. (*ઓરીગામી= કાગળમાંથી કલાત્મક વસ્તુઓ બનાવવાની જાપાનની કળા)

પાટલૂનો અને પુરુષો પહેરે તેવાં ઢીલાં ખમીસો હેઠળ મારાં લાંબા જોડા સહેલાઈથી ઢંકાઈ જતાં. વળી એ વસ્ત્રો સહેલાઈથી પહેરી શકાતાં. બીજી તરફ મારા પરિવારમાં સ્ત્રીઓએ એમના શયનખંડમાંથી બહાર નીકળતાં પહેલાં પારંપારિક રીતે ખાસ ચોકસાઈપૂર્વક વસ્ત્રો પહેરવાં પડતાં. સાડી કદાચ સ્ત્રીત્વનું પ્રતિનિધિત્વ કરે છે પણ પિતૃસત્તાક વ્યવસ્થા અચાનક ત્રાડ પાડીને માથું ઊંચું કરે છે જયારે જયારે સ્ત્રીઓની છેડતી થાય છે; સાડી ન પહેરવાં બદલ, પોતાની પસંદગીનાં વસ્ત્રો પહેરવાં બદલ, ફેશન, સગવડ કે આનંદ માટે પહેરેલાં વસ્ત્રો બદલ સ્ત્રીઓની સતામણી થાય છે. કિશોરાવસ્થામાં હું જોતી કે જિન્સ પહેરવા માટે મારી મિત્રોએ કેટલું ઝઘડવું પડતું. એમની લડતમાં હું મારા શરીરથી નહીં પણ મગજ વડે સામેલ થઈ હતી. સમાનતા, ન્યાય, અને પસંદગીનો હક જેવા નારીવાદી સિદ્ધાંતો હું ઘણાં સમય અગાઉ જ સ્વીકારી ચૂકી છું. પણ મારા શરીરને હું એમાં કઈ રીતે જોડી શકું એની મને હજી ખબર પડી નથી.

***

મમ્મી પાસંઠ વર્ષની થઈ પછી તરત જ એ પોતાની સાડીઓ અન્યોને આપવા માંડી. મુલાકાતી (કેટલીક વાર હું) જોડે એ નીચે જમીન પર પલાંઠી વાળીને બેસતી અને પોતાનો કબાટ ઉઘાડતી. એક પછી એક ગડી કરેલી સાડીઓ એ બહાર કાઢવાં માંડતી. પોતાના માટે ખરીદેલી અને પોતાને ભેટમાં મળેલી સાડીઓ. કોઈ સાડી ભારેખમ બૉર્ડરથી ભરેલી રહેતી તો કોઈની બૉર્ડર વળી સૌમ્ય અને સૂક્ષ્મ રહેતી. અમુક સાડીઓ તો અશુભ પ્રસંગે પહેરવાની પણ હતી. સાડીઓની ગડીમાંથી ક્યારેક મેચિંગ બ્લાઉઝ નીકળતાં. બ્લાઉઝની અંદર એને સીવનારા દરજીની નિશાની રહેતી. દરજી ઘણું કરીને પુરુષ જ રહેતો. કેટલીક સાડીઓ જોડે સંસ્મરણો સંકળાયેલાં રહેતાં. જેમ કે શહેરના મોટામાં મોટા સ્ટોરમાં ઘરની સ્ત્રીઓ ખરીદી માટે ગઈ હોય. સાડી એક લાક્ષણિક પોશાક છે, સ્ત્રીઓ સહેલાઈથી કોઇ પણ સાડીને એકબીજા જોડે વહેંચી શકે છે એ જાણવા છતાં કે દરેક સ્ત્રીએ પોતાની પસંદગીની સાડી ખરીદી હોય છે. એક વાર મમ્મીએ મને એક સાડી આપીને કહ્યું કે એ સાડી એટલી ઝીણી છે કે લગ્નની વીંટીમાંથી આખેઆખી પસાર થઈ જાય! આ સાડી તારે પહેરવી જોઈએ, એણે કહ્યું હતું, હવે આવી સાડી બનતી નથી. જો, ગુલાબી અને કથ્થઈ રંગની આની ભાત કેટલી સુંદર છે! જયારે મેં આનાકાની કરી ત્યારે એણે કહ્યું, આ સાડી એક વાર મારાં શરીર પર હતી અને હવે હું ઇચ્છું છું કે તું પણ એ પહેરે. તને જોઈએ તો કાપીને એના બે ટુકડાં કરજે અને લાઇનિંગવાળો કુરતો બનાવજે. તારા હવે પછીના પ્રદર્શનના શુભારંભ વખતે પહેરજે. હું હવે લાંબો વખત નથી, એણે ઉમેર્યું હતું, જે કંઈ મારું છે એ બધું વેરવિખેર થઈ જવાનું છે—માટે આ મારો પ્રેમ છે, આ મારું શસ્ત્ર છે, આ મારી કહાણી છે.
 
  • Paper
    • Fault Lines
    • Leela
    • My father's letter
    • Gush
    • Memory
    • Each one
    • Chakra portraits
    • Open a window
    • Life
    • Malala Yousafzai
  • Embroidery
    • River in Body
    • Throughlines
    • Disembodied
    • Resist
    • She's home
    • Nightfall
    • Body 1.0
  • Collaboration
    • StorySeed
    • The Body Is a Home
    • Once Upon a Body
    • What the south wind says
    • Joy
    • Lynwood Linear Park
    • Long Beach Transit
  • Commission
    • Keep your heart open
    • Let's Talk Now
  • More
    • Writing
    • Hi Shonu Podcast
    • Interviews
    • Women of color
    • A month of actions
  • About
    • Contact
    • Statement
    • Shows
    • Teaching
    • Press
    • Resume
  • Store